જામનગરની ઇટ્રાના હૈદ્રાબાદની હાર્ટફુલનેસ સાથે એમઓયુ
આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળ જામનગર ખાતે કાર્યરત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રેસર્ચ ઇન આયુર્વેદ, જે રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા તરીકે માન્યતા ધરાવે છે, અને હૈદરાબાદ સ્થિત હાર્ટફૂલનેસ, કાન્હા શાંતિ વનમ વચ્ચે આયુર્વેદિક શિક્ષણ, તબીબી પ્રેક્ટિસ અને સંશોધન ક્ષેત્રે ઇટ્રાની નિપૂણતાનો લાભ લેતાં સર્વગ્રાહી સુખાકારી અને પર્યાવરણીય ટકાઉપણાની પહેલોને પ્રોત્સાહન આપવા માટે પાંચ વર્ષીય સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આ સહયોગ સર્વગ્રાહી આરોગ્ય અને પર્યાવરણીય ટકાઉપણાને એકીકૃત અભિગમ સાથે આગળ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલી સ્ટેકહોલ્ડર્સ કંસલટેટીવ મિટિંગ દરમિયાન આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં માનનીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવ, પદ્મ ભૂષણ દાજી, નીતિ આયોગના સભ્ય ડો. શ્રીનિવાસ અને આયુષ મંત્રાલયના સચિવ પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા સહિત નીતિ આયોગના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એમઓયુ પર ઇટ્રાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરી અને હાર્ટફુલનેસ ઇન્સ્ટીટયુટ તરફથી કુમાર કન્નન દ્વારા પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગ અંતર્ગત ઇટ્રા આયુર્વેદ, આયુર્વેદિક ક્લિનિકલ સાયન્સ, શિક્ષણ અને પુરાવા આધારિત સંશોધન ક્ષેત્રે પોતાની સંસ્થાકીય નિષ્ણાતી પ્રદાન કરશે. જ્યારે એચએફઆઇ પોતાની હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ, યોગ, જીવનશૈલી આધારિત પ્રથાઓ અને પર્યાવરણીય પહેલો અંગેની નિષ્ણાતી દ્વારા આ પ્રયાસોને પૂરક સહયોગ આપશે. આ ભાગીદારીનો હેતુ સંકલિત અભિગમ દ્વારા રોગપ્રતિકારક તથા સર્વગ્રાહી આરોગ્યસંભાળને વધુ મજબૂત બનાવવાનો છે.
ઇટ્રા ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી જણાવે છે કે આ સહયોગ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત સંશોધન, વિદ્યાર્થીઓ અને શિક્ષણ-તજજ્ઞો માટે વિનિમય કાર્યક્રમો, શૈક્ષણિક કાર્યક્રમો, માહિતી-જ્ઞાનનું આદાનપ્રદાન, ક્ષમતાવર્ધન, નવીનતા તથા બૌદ્ધિક સંપદા વિકાસ માટે માળખું પૂરું પાડશે. આ ઉપરાંત, રોગ નિવારણ, સર્વગ્રાહી આરોગ્ય અને સંકલિત સુખાકારી સાથે સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન તથા શૈક્ષણિક સહકારને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
સહયોગનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર પર્યાવરણીય ટકાઉપણું રહેશે. આ અંતર્ગત કેમ્પસમાં જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓના સંરક્ષણ તથા હરિત પ્રથાઓને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવશે. ઇટ્રાની શૈક્ષણિક અને સંશોધનક્ષમતાઓ તથા એચએફઆઇના પર્યાવરણ અને સુખાકારી ક્ષેત્રના અનુભવના સંયોજન દ્વારા આરોગ્યસંભાળ, શિક્ષણ, સંશોધન અને પર્યાવરણીય સંરક્ષણને જોડતા ટકાઉ મોડેલો વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ સહયોગ વૈજ્ઞાનિક સંશોધન, શિક્ષણ, ક્લિનિકલ પ્રેક્ટિસ અને નવીનતા દ્વારા આયુર્વેદને આગળ વધારવા માટેની ઇટ્રાની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સાથે સાથે, આયુર્વેદિક જ્ઞાનને સર્વગ્રાહી સુખાકારીના પૂરક અભિગમો સાથે સંકલિત કરીને તેના વ્યવહારુ ઉપયોગ માટે પણ નવી તકોનું સર્જન કરશે.
આ પહેલ આયુષ મંત્રાલયના વ્યાપક દૃષ્ટિકોણ સાથે સુસંગત છે, જેનો હેતુ પુરાવા આધારિત સંશોધન, શિક્ષણ, રોગપ્રતિકારક આરોગ્યસંભાળ અને આયુર્વેદ તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના વૈશ્વિક પ્રચારને મજબૂત બનાવવાનો છે. સાથે જ, સર્વગ્રાહી આરોગ્ય અને ટકાઉ વિકાસમાં યોગદાન આપી શકે તેવા સહયોગોને પણ પ્રોત્સાહન આપવાનો છે.