જામનગરમાં પગાર સહીતના પ્રશ્ર્નો ન ઉકેલાતા આંગણવાડી બહેનોની રેલી
દેખાવ: સાત રસ્તાથી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી સૂત્રોચ્ચાર અને રજૂઆત
આગામી દીવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી
રાજયની સાથે જામનગરમાં પણ પગાર સહીતના પ્રશ્ર્નો ન ઉકેલાતા આંગણવાડી બહેનોએ રેલી યોજી વિરોધ વ્યકત કર્યો હતો. સાત રસ્તાથી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી સૂત્રોચ્ચાર અને રજૂઆત કરી હતી. આટલું જ નહીં આગામી દીવસોમાં આ પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
જામનગર સહીત રાજયભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો છેલ્લાં ઘણાં સમયથી પગાર સહીતના પ્રશ્ર્ને આંદોલનાત્મક કાર્યક્રમો કરી રહ્યા છે. આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના પગાર અંગે હાઇકોર્ટના ચૂકાદા બાદ પણ પગાર વધારાનો લાભ ચૂકવવામાં આવતો ન હોય તેમજ અન્ય પ્રશ્ર્નો રજૂઆતો બાદ પણ અણઉકેલ હોય ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના માર્ગદર્શન હેઠળ ગઇકાલે રાજયભરમાં આંગણવાડી બહેનોએ આ મુદે દેખાવ કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. જામનગરમાં આંગણવાડી બહેનોએ સાત રસ્તાથી કલેકટર કચેરી સુધી રેલી સ્વરૂપે જઇ સૂત્રોચ્ચાર અને રજૂઆતો કરી હતી. આટલું જ નહીં કલેકટર કચેરીએ પહોંચીને આંગણવાડી બહેનોએ પોતાની પગાર વધારા સહીતના પડતર પ્રશ્ર્નો ઉકેલવા ભારપૂર્વક રજૂઆતો કરી હતી. આટલું જ નહીંં ન્યાયીક માંગણીઓનો તાકીદે ઉકેલ નહીં આવે તો આગામી દીવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
કલેકટર તંત્રને કરવામાં આવેલી રજૂઆતમાં સરકારી કામગીરીના નામે આંગણવાડી અને આશાવર્કર બહેનોનું આર્થિક શોષણ કરવામાં થઇ રહ્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે.