જામનગર જિલ્લાના ૧૩૧ ગામમાં કાલ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ
જામનગર, કાલાવડ, લાલપુર અને જામજોધપુરના ગામડાઓનો સમાવેશ
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલમાં ભંગાણ કારણભૂત: પાણીની મોકાણ વચ્ચે કાપથી દેકારો
જામનગર જિલ્લાના ૧૩૧ ગામમાં કાલ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રહેશેે. જેમાં જામનગર,કાલાવડ, લાલપુર અને જામજોધપુર તાલુકાના ગામડાઓનો સમાવેશ થાય છે. સુરેન્દ્વનગર નજીક સૌરાષ્ટ્ર કેનાલમાં ભંગાણને કારણે આ સમસ્યા સર્જાઇ છે. પાણીની મોકાણ વચ્ચે કાપથી ગામડાઓમાં રહેતા લોકોમાં દેકારો બોલી ગયો છે.
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજા હજુ મનમૂકીને વરસ્યા નથી. ચોમાસામાં વિધિવત આગમનના બે મહીનામાં જિલ્લામાં ફકત ૨૭ ટકા વરસાદ થયો છે. આથી જિલ્લામાં જળસંકટ ઘેરૂ બની રહ્યું છે. બીજી બાજુ મોટાભાગના જળાશયો ખાલી હોય વાવેતર પર પણ જોખમ ઝંળુબી રહ્યું છે. આ સ્થિતિમાં જામનગર જિલ્લામાં ૧૩૧ ગામમાં કાલ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રહેશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવ્યાનુસાર જામનગર જિલ્લાના જામનગર, કાલાવડ, લાલપુર તથા જામજોધપુર તાલુકાના હસ્તકની પાણી પુરવઠા યોજના નર્મદા પાઈપલાઈન આધારિત હોય જેનું મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુરેન્દ્રનગર ઢાંકી ખાતે આવેલ છે. જે પમ્પિંગ સ્ટેશનમાં સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ મારફત પાણી લેવામાં આવે છે. તે બ્રાન્ચ કેનાલમાં વિરમગામ પાસે ભંગાણ થયું હોવાથી ચારેય તાલુકા હસ્તકના ગામોમાં તા.૧૨ ઓગષ્ટ સુધી પાણી પુરવઠો બંધ રહેશે.
ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત શરૂ કરવામાં આવશે. ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાને લગતી પીવાના પાણીની સમસ્યા માટે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.