BREAKING NEWS

પ્રાકૃતિક કૃષિમાં કુદરતી ચક્ર એવાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા

  • July 21, 2026 09:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાકૃતિક કૃષિમાં કુદરતી ચક્ર એવાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા

જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકનાન નથી થતું, અછતના સમયે છોડને જરૂરરી ભેજ મળી રહે

પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે, આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે, બોનસના રૂપમાં મુખ્ય પાક મળે છે, જેનાથી ખેડૂતોને ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. મહત્વનું છે કે, પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે-જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. 

પ્રાકૃતિક કૃષિમાં કુદરતી ચક્ર એવાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્રની મહત્વની ભૂમિકા છે:

જળચક્ર: જમીન તથા સમુદ્રમાં રહેલું પાણી બાષ્પીભવનથી વરાળ રૂપે આકાશમાં જાય છે. વાતાવરણ ઠંડુ થતા આ વરાળ હવામાં રહેલા રજકણો ફરતે પાણીનાં બુંદ બનાવે છે. જે વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં સેન્દ્રિય પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓની ગતિવિધિના કારણે જમીનની ભૌતિક સ્થિતિમાં સુધારો થાય છે. જમીન છિદ્રાળુ બને છે. આ કારણે વરસાદના પાણીનો મોટો જથ્થો જમીનમાં ઊંડે સુધી ઉતરે અને સંગ્રહ થાય, સંગ્રહિત પાણીમાં જમીનમાં રહેલ પોષક તત્વો અને ખનીજો દ્રાવ્ય થાય છે. ઉનાળામાં અથવા જ્યારે ઉપરની જમીનમાં પાણીની અછત સર્જાય ત્યારે આ સંગ્રહિત પાણી કેશાકર્ષણ દ્વારા દ્રાવ્ય થયેલ પોષક તત્વો સાથે મૂળ પ્રદેશમાં આવે છે અને છોડને જરૂરી ભેજ અને પોષકતત્વો પૂરાં પાડે છે. આમ, જળ વ્યવસ્થાપનના કારણે અતિવૃષ્ટિમાં પાકને નુકનાન નથી થતું, અછતના સમયે છોડને જરૂરી ભેજ મળી રહે છે. 

ખાદ્યચક્ર: છોડના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન (કાર્બોદિત પદાર્થો)નો હિસ્સો ૯૫ થી ૯૬ ટકા જેટલો છે. જેનું નિર્માણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયા દ્વારા છોડના પર્ણમાં પાણી અને હવામાં રહેલ કાર્બન ડાયોક્સાઇડના સંયોજનથી થાય છે. આથી, પાણી, હવા અને સૂર્યપ્રકાશનું જરૂરીયાત મુજબનું વ્યવસ્થાપન થાય તો છોડની ૯૫ ટકા જરુરિયાત સંતોષાય છે. પ્રાકૃતિક કૃષિમાં વાપ્સા, આચ્છાદન અને મિશ્રપાક પદ્ધતિના આયામોથી આવું જરુરી વ્યવસ્થાપન થાય છે. 

નાઇટ્રોજનચક્ર: પાકની વૃદ્ધિ માટે નાઇટ્રોજન તત્વ આવશ્યક છે. હવામાં ૭૮ ટકા નાઇટ્રોજન રહેલો છે. છોડને નાઇટ્રોજન બે પ્રક્રિયાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આકાશમાં વીજળી થાય છે ત્યારે ટનબંધ નાઇટ્રોજન પાણીમાં દ્રાવ્ય થઇ વરસાદના પાણી દ્વારા જમીનને મળે છે. જમીનમાં સૂક્ષ્મ જીવાણું દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન તથા છોડને જરૂરી સ્વરુપમાં પરિવર્તન થાય છે. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં નાઇટ્રોજન ચક્રના કારણે પાકને બહારથી અન્ય કોઈ ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application