BREAKING NEWS

જામનગર: વૃદ્ધ વિધવા માતાનું ભરણપોષણ ન કરતા પુત્રને માસિક રૂ. ૪ હજાર ચૂકવવાનો આદેશ

  • August 19, 2026 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: વૃદ્ધ વિધવા માતાનું ભરણપોષણ ન કરતા પુત્રને માસિક રૂ. ૪ હજાર ચૂકવવાનો આદેશ

લાલપુર એસડીએમ ટ્રિબ્યુનલે પીડિત માતાના હિતમાં આપ્યો ન્યાયી ચુકાદો

પુત્ર નિયમિત ભરણપોષણ ન ચૂકવે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાત થશે

જામનગર જિલ્લાના લાલપુર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મેન્ટેનન્સ ટ્રિબ્યુનલ સમક્ષ ’માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭’ તથા ’ગુજરાત નિયમો, ૨૦૦૯’ હેઠળ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીશ્રી એસ.જે. અસવાર દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

 જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેતા ૮૩ વર્ષીય વિધવા માતા દિવાળીબેન રવજીભાઈ ખાંટ દ્વારા પોતાના પુત્ર વિનોદ રવજીભાઈ ખાંટ સામે માસિક ભરણપોષણ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી.

અરજદાર માતાની રજૂઆત અનુસાર, તેઓ વૃદ્ધાવસ્થા, ગોઠણના ઘસારા અને અવારનવાર થતી બીમારીઓથી પીડાય છે તથા ઉપલેટાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ તેમની પાસે સ્વ-કમાણી કે જીવનનિર્વાહનું કોઈ સાધન નથી. પિતાની વડીલોપાર્જિત ખેતીની જમીનમાં હિસ્સો મળ્યા છતાં અને અગાઉ થયેલી સમજૂતી છતાં પુત્ર વિનોદ ખાંટે માતાનું ભરણપોષણ કરવા, દવા-સારવાર કે ઓપરેશનનો ખર્ચ ઉપાડવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને પોતાની ફરજમાંથી છટકી તેમની ઉપેક્ષા કરી હતી. આ અંગે પુત્રે પોતાના જવાબમાં વાર્ષિક રકમની સમજૂતી હોવાનો તથા બીજા ભાઈ સુભાષભાઈએ તમામ જવાબદારી સ્વીકારી હોવાનો બચાવ રજૂ કરી માસિક રૂ. ૭,૦૦૦ ની માંગણીનો ઈન્કાર કર્યો હતો.

કેસની સંપૂર્ણ સુનાવણી, લેખિત જવાબો અને રજૂ થયેલા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે.અશવારે નોંધ્યું હતું કે કાયદાની કલમ ૪ હેઠળ દરેક પુખ્ત પુત્ર પર પોતાના વરિષ્ઠ માતા-પિતાનું ભરણપોષણ કરવાની કાનૂની અને નૈતિક ફરજ છે. સુપ્રીમ કોર્ટના ’ઉર્મિલા દીક્ષિત વિરૂદ્ધ સુનીલ શરણ દીક્ષિત તથા ગુજરાત હાઈકોર્ટના ’પરમાર ડાહયાભાઈ હેમાભાઈ વિરુદ્ધ પરમાર પ્રકાશભાઈ ડાહયાભાઈ (૨૦૧૩)’ના ચુકાદાઓનો સંદર્ભ આપતા ટ્રિબ્યુનલે સ્પષ્ટ કર્યું કે આ એક સામાજિક કલ્યાણકારી કાયદો છે અને જૂની ખાનગી સમજૂતી કે કરારથી પુત્ર પોતાની કાનૂની ફરજમાંથી મુક્ત થઈ શકતો નથી. માતાની ઉંમર, તબીબી સ્થિતિ અને સામાવાળા પુત્રની આર્થિક ક્ષમતા ધ્યાને રાખી લાલપુર ટ્રિબ્યુનલે તા. ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ આદેશ ફરમાવ્યો કે પુત્ર વિનોદ ખાંટે અરજદાર માતા દિવાળીબેનને દર મહિને ‚પિયા ચાર હજારનું ભરણપોષણ ચૂકવવું. આ રકમ અરજી કર્યા તારીખથી ગણીને દર કેલેન્ડર મહિનાની ૧૦મી તારીખ સુધીમાં નિયમિત ચૂકવવાની રહેશે તેમજ અરજી દાખલ કર્યા તારીખથી હુકમની તારીખ સુધીની તમામ બાકી ચડત રકમ ૩૦ દિવસની અંદર બેંક ખાતામાં જમા કરાવવાની અથવા રોકડમાં રસીદ સામે ચૂકવવાની રહેશે. જો કોઈ પણ મહિનાનું ભરણપોષણ ચૂકવવામાં ચૂક થશે તો કાયદાની કલમ ૧૧ હેઠળ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલાતનું વોરંટ તથા અન્ય કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application