જામનગર સિંધી સમાજમાં આક્રોશ — ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ અને સિંધી જાતીય પ્રત્યે કરેલ છતીસગઢના અમિત બઘૈલ દ્વારા અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રેલી અને આવેદન...
છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરમાં જેસીપી અધ્યક્ષ અમિત બઘૈલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલજી વિરુદ્ધ અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર સિંધી સમાજની ધાર્મિક તથા સામાજિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે.
આ ઘટના વિરુદ્ધ જામનગર સિંધી સમાજ દ્વારા આજે સાંજે ઝૂલેલાલ ચોક ખાતે આવેલ ઝૂલેલાલ મંદિર પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. "અમિત બઘૈલ મુર્દાબાદ", "સિંધિયત કા અપમાન નહી સહેંગે", "અપને ઇષ્ટ કા અપમાન નહી સહેંગે", "અમિત બઘૈલ માફી માંગો" જેવા સૂત્રોચાર વચ્ચે રેલી સ્વરૂપે સમાજના સભ્યો જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા.
ત્યાં જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર ને આવેદન પાઠવી અમિત બઘૈલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. આવેદનમાં જણાવાયું છે કે, આરોપી દ્વારા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ગુના હેઠળ BNS કલમ 299 અને 196 મુજબ ગુન્હો નોંધી આના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
સિંધી સમાજે ચેતવણી આપી છે કે જો અમિત બઘૈલ એક સપ્તાહની અંદર જાહેર માફી નહીં માગે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવશે તેમજ કોર્ટમાં ન્યાય માટે લડત ચાલુ રાખવામાં આવશે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તથા વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા સાથે સમાજના ઈષ્ટદેવ અને સિંધિયતના માન માટે મજબૂત અવાજ ઉઠાવ્યો હતો.