BREAKING NEWS

હાઈટેક બન્યો રાજકોટનો લોકમેળો: સુરક્ષામાં AI, પણ 'મોતનો કૂવો' ગાયબ!, જાણો આ વખતે શું સુવિધાઓ હશે

  • August 26, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે આ વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારને ધામધૂમથી ઉજવવા માટે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨ સપ્ટેમ્બરથી ૬ સપ્ટેમ્બર સુધી યોજાનારા આ પાંચ દિવસીય લોકમેળાની થીમ ‘વિરાસતથી વિકાસ’ રાખવામાં આવી છે. આ મેળો સૌરાષ્ટ્રભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વખતે મેળામાં મુલાકાતીઓ માટે ૨૨૮ જેટલા વિવિધ સ્ટોલ-પ્લોટ અને ૩૪ નાની-મોટી યાંત્રિક રાઇડ્સ મૂકવામાં આવી છે.

અંદાજે ૧૫ લાખથી વધુ મુલાકાતીઓ લોકમેળાનો આનંદ માણવા આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અને સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે મેળામાં સુરક્ષા જાળવવા માટે પ્રથમ વખત આધુનિક AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ડ્રોન ટેક્નોલોજી દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા અને તમામ વિભાગો વચ્ચે સીધું સંકલન જાળવવા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને વિશેષ ‘ડિઝાસ્ટર કોરિડોર’ પણ તૈયાર કરવામાં આવ્યો છે.


મનોરંજન ક્ષેત્રે પણ મેળો ખૂબ જ રોમાંચક બની રહેશે. પાંચ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા, સુગમ સંગીત અને ડાન્સ પ્રોગ્રામ્સનું આયોજન કરાયું છે, જેમાં ૬ જાણીતા અને ૪૦ સ્થાનિક કલાકારો પોતાની કલાના સૂર રેલાવશે. લોકમેળાનું વિધિવત ઉદ્ઘાટન ૨ સપ્ટેમ્બરના રોજ નેવી બેન્ડની અદ્ભુત અને દેશભક્તિ સભર રજૂઆત સાથે કરવામાં આવશે.


ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વરસાદી વિઘ્ન સામે પણ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. મેળાના તમામ ડોમ વોટરપ્રૂફ બનાવવામાં આવ્યા છે, તેમજ પાણી ભરાવાની સ્થિતિમાં નિકાલ માટે ડીવોટરિંગ પંપ અને રસ્તાઓ પર કપચી પાથરવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે. સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે રૂ.૩.૧૦ કરોડનું વીમા કવચ અને રૂ.૨ કરોડનું કેન્સલેશન ઈન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યું છે.


જોકે, આ વખતે લોકમેળાની મુલાકાતે આવતા સહેલાણીઓ માટે એક નિરાશાજનક સમાચાર પણ છે. દર વર્ષે મેળામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનતો અને લોકોના ધબકારા વધારી દેતો ‘મોતનો કૂવો’ આ વખતે જોવા મળશે નહીં. ટેકનિકલ અથવા સુરક્ષાના કારણોસર આ વખતે મોતના કૂવાની રોમાંચક રાઇડને મંજૂરી ન મળતા મેળાર્થીઓ તેના સાહસિક રોમાંચથી વંચિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News