BREAKING NEWS

જામનગરમાંથી ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલા બાળકને શોધી કાઢતી પોલીસ

  • June 10, 2026 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાંથી ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલા બાળકને શોધી કાઢતી પોલીસ 

પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા અમદાવાદથી યુવાવયે પરિવાર સાથે મિલાપ કરાવ્યો

જામનગર શહેરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૨માં ગુમ થયેલા બાળકને જામનગર એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨માં પ્રદીપ (તે સમયે ઉ.વ. ૮ વર્ષ) ગુમ થયાની નોંધ કરવામાં આવી હતી. બાળક પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. ત્યારથી તેની શોધખોળ ચાલી રહી હતી.

રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓ તથા જામનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાના અનુસંધાને લાંબા સમયથી ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. દરમિયાન હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં ગુમ થયેલો બાળક હાલ ૨૪ વર્ષનો યુવક બની અમદાવાદ ખાતે એક કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે યુવકને શોધી કાઢી તેના પિતા કારાભાઈ ગોવિંદભાઈ વાઘ સાથે મિલાપ કરાવ્યો હતો. ૧૪ વર્ષ બાદ પુત્ર મળી આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સમગ્ર કામગીરી એલ.સી.બી.ના પેરોલ-ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઈ એમ.વી. ભાટીયાના માર્ગદર્શન હેઠળ સુરેશભાઇ, ગજેન્દ્રસિંહ, કરણસિંહ, લખધીરસિંહ, દિવ્યરાજસિંહ, મહીપાલભાઇ વિગેરે દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application