જામ્યુકોના જનરલ બોર્ડમાં પ્રિમોન્સુન કામગીરી, ટીપી સ્કીમ મુદે વિપક્ષની પસ્તાળ
વિરોધ: શહેરમાં પાણીના નિકાલની કેનાલોની સફાઇ કાગળ પર અને પ્લોટના હેતુફેર બિલ્ડરના ફાયદા માટે કરવામાં આવતા હોવાનો આક્ષેપ
વોટરવર્કસ, સેનીટેશન, લાઇટ, શહેરી ગરીબ કલ્યાણ, સ્લમ અપગ્રેેડેશન, રમતગમત સાંસ્કૃતિક, ટાઉન પ્લાનીંગ સહીત ૧૩ સમિતિની રચના અને સભ્યોની નિમણૂંક
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભામાં પ્રિમોન્સુન કામગીરી, ટીપી સ્કીમ મુદે વિપક્ષ આપ અને કોંગ્રેસના સભ્યોએ પસ્તાળ પાડી શહેરમાં પાણીના નિકાલની કેનાલોની સફાઇ કાગળ પર અને પ્લોટના હેતુફેર બિલ્ડરના ફાયદા માટે કરવામાં આવતા હોવાનો સણસણતો આક્ષેપ કર્યો હતો. જનરલ બોર્ડમાં વોટરવર્કસ, સેનીટેશન, લાઇટ, શહેરી ગરીબ કલ્યાણ, સ્લમ અપગ્રેેડેશન, રમતગમત સાંસ્કૃતિક, ટાઉન પ્લાનીંગ સહીત ૧૩ સમિતિની રચના અને સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા આજરોજ સવારે મનપાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મેયર મોનીકાબેન વ્યાસના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, કમિશ્ર્નર દીપેશ કેડીયા, ડીએમસી દેવેન્દ્વસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની સહીત અન્ય અધિકારીઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. સામાન્ય સભાના પ્રારંભે સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેનનું અવસાન થયું હોય બે મીનીટનું મૌન પાડી શ્રઘ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીપીએમસી એકટ અન્વયે ભાજપના નગરસેવકોએ ટેકા સાથે દરખાસ્ત રજૂ કરતા પબ્લીક વર્કસ કમીટી, વોટર વર્કસ કમીટી, સેનીટેશન કમીટી, લાઇટ કમીટી, શહેરી ગરીબ કલ્યાણ કમીટી, સ્લમ અપગ્રેડેશન કમીટી, રમતગમત સાંસ્કૃતિક કમીટી, ટાઉન પ્લાનીંગ કમીટી, આરોગ્ય-ગાર્ડન કમીટી, ડ્રેનેજ કમીટી, વાહન કમીટી, પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને લીગલ કમીટીની રચના તથા સભ્યોની નિમણૂંક કરાઇ હતી. આ કમીટીને રૂ.૧૫ લાખની નાણાંકીય સતા આપી હતી. જો કે, આ માટે રાજય સરકારમાં મંજૂરી માટેની પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. કમીટીની રચના દરમ્યાન આપના નગરસેવિકા જૈનબબેન ખફીએ કમીટીના સભ્યોમાં વિપક્ષનો પણ સમાવેશ કરવા રજૂઆત કરી હતી. ત્યારબાદ મ્યુનીસીપલ ઓફીસર્સ સ્ટાફ સીલેકશન કમીટી અને કોલેજ મેનેજમેન્ટ બોર્ડના સભ્યોની નિયુકિત ભાજપના નગરસેવકોના ટેકા અને દરખાસ્ત સાથે કરવામાં આવી હતી.
મનપાની સામાન્ય સભામાં ડ્રાફટ પ્રલીમનરી નગર રચના યોજના નં.૧ અને યોજના નં.૨૬ માં સમુચિત સતામંડળને ફાળવવામાં આવેલા જાહેર હેતુના અંતિમ ખંડોની દરખાસ્તને ટેન્ટેટીવ રીકંસ્ટીટયુશન અંગેનો પરામર્શ આપવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઇ હતી. જો કે, અદાલતે મંજૂરી આપતા સામાન્ય સભામાં હાજર રહેલા ગુજસીટોકના આરોપી વિપક્ષ કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફીએ સમિતિની રચના સામે વિરોધ હોય તેની નોંધ કરવાની સાથે શહેરમાં પ્રીમોન્સુન કામગીરી કાગળ પર ચાલતી હોવાનો આક્ષેપ કરી વરસાદમાં શહેરના ઘણા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાતા હોવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં તેમણે કમિશ્ર્નર અને પદાધિકારીઓને સ્થળ નિરીક્ષણ કરવા પણ કહ્યું હતું. તેમના સવાલના જવાબમાં પ્રીમોન્સુન કામગીરી અંગે વિગતો આપતા મનપાના અધિકારી કટેશિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં કુલ ૩૪ કીમી કેનાલની સફાઇ માટે રૂ.૩૪ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આટલી નાણાંકીય રકમમાં તમામ કેનાલની સફાઇ શકય નથી. શહેરના ૩ થી ૪ ઝોનમાં પ્રીમોન્સુન કામગીરી માટે ૩ વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઇ એજન્સીએ ટેન્ડર ભર્યું નથી. અમુક વિસ્તારોમાં આવેલી કેનાલની આજુબાજુ મકાનો હોય આ સ્થળે મશીનરી જઇ શકે તેમ ન હોય કેનાલની સફાઇ કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે.
જયારે કોંગ્રેસના નગરસેવિકા સહારબેન મકવાણા અને આમ આદમી પાર્ટીના નગુરસેવિકા જૈનબબેન ખફીએ ટીપી સ્કીમની અમલવારી ઝડપથી થાય અને જો મંજૂરીમાં કોઇ વિગતો ખૂટતી હોય તો તાકીદે પૂર્તતા કરવાની માંગણી કરી હતી. આટલું જ નહીં ટીપી સ્કીમમાં પ્લોટના હેતુફેર બિલ્ડરોના લાભાર્થે કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરી ટીપી સ્કીમ અંગે પુન: ચર્ચા-વિચારણા કરી મુલતવી રાખવા માંગણી કરી હતી. આમ મનપાની સામાન્ય સભામાં વિકાસના કોઇ મહત્વના એજન્ડાનો સમાવેશ ન હોય પ્રશ્ર્નોતરી સાથે પૂર્ણ થઇ હતી.