જામનગરમાં વરસાદી પાણી નિકાલની કેનાલ પર ગેરકાયદે ખડકાયેલા મકાનોનું ડીમોલીશન
સ્મશાન નજીક ૨૦૦૦ ફુટ જગ્યા ખુલ્લી કરાવાઇ, મનપા દ્વારા પોલીસને સાથે રાખી કાર્યવાહી
આસામીઓને નોટીસ ફટકાર્યા બાદ દબાણ દૂર કરવામાં ન આવતા મનપાનું બુલડોઝર ફરી વળ્યું
જામનગરમાં સ્મશાન નજીક વરસાદી પાણી નિકાલની કેનાલ પર ગેરકાયદે ખડકાયેલા મકાનો મનપાએ દૂર કરી આશરે ૨૦૦૦ ફુટ જગ્યા ખુલ્લી કરાવી છે. આસામીઓને નોટીસ ફટકાર્યા બાદ પણ દબાણ દૂર ન કરાતા મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું. મનપાએ પોલીસને સાથે રાખી અનઅધિકૃત મકાનો દૂર કર્યા હતાં.
જામનગરમાં દર વર્ષે ચોમાસામાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ છે. ખાસ કરીને રંગમતી અને નાગમતી નદીમાં દબાણ તથા કચરો, ગંદકી, બાવળ તથા ઝાડી-ઝાંખરાને કારણે અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે. ચાલુ વર્ષે રંગમતી અને નાગમતી નદીની ખરા અર્થમાં પ્રિમોન્સુના કામગીરી અંતર્ગત સફાઇ કરવામાં આવી છે. જયારે આજે નાગનાથ ગેઇટ પાસે આવેલા આદર્શ સ્મશાન ચોકડીથી આગળ આવેલી વરસાદી પાણીના નિકાલની કેનાલ ૫ર કોઇપણ પ્રકારની મંજૂરી વગર ખડકાયેલા મકાનો દૂર કરવાની કાર્યવાહી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જે અંતર્ગત મનપાની એસ્ટેટ તથા સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓએ પોલીસને સાથે રાખી આ કેનાલ પર ખડકાયેલા બે કાચા અને બે પાકા મળી કુલ ૪ ગેરકાયદે મકાનોનું ડીમોલીશન કરી અંદાજે ૨૦૦૦ ફુટ જમીન ખુલ્લી કરાવી હતી. વરસાદી પાણીના નિકાલની કેનાલ પર મકાનો બનાવનાર આસામીઓને મનપાએ નોટીસ પણ ફટકારી હતી. પરંતુ આમ છતાં દબાણ દૂર ન કરતા મનપાએ આજે ચારેય મકાન તોડી પાડ્યા હતાં.