જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.જી.વી.સી.એલ.ના વિજ ગ્રાહકોને બપોરના વીજ વપરાશ પર લાખ્ખોની રાહત
જીઇઆરસીના આદેશ મુજબ બપોરે ૧૧થી સાંજે ૫ વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટ દીઠ ૬૦ પૈસાની છૂટ પી.જી.વી.સી.એલ.-જામનગર વર્તુળમાં એપ્રિલ અને મે મહિનામાં રૂ. ૭૨.૭૨ લાખથી વધુનો લાભ મળ્યો
ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (જીઈઆરસી)ના આદેશ અનુસાર પીજીવીસીએલના ઘરવપરાશ (જીએલપી) તેમજ ઔદ્યોગિક અને વાણિજ્ય ગ્રાહકોને બપોરે ૧૧ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી થયેલા વીજ વપરાશ પર યુનિટ દીઠ ૬૦ પૈસાની બિલ રાહત આપવામાં આવી રહી છે.
પીજીવીસીએલના જામનગર વર્તુળ કચેરી હેઠળ જામનગર શહેર, જામનગર જિલ્લો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કુલ ૩૯ પેટાવિભાગીય કચેરીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં કુલ ૪૮,૪૭૧ સ્માર્ટ મીટર ધરાવતા વીજ જોડાણો છે, જેમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન થયેલા વીજ વપરાશની અલગથી નોંધણી કરવામાં આવે છે અને તે આધારે ગ્રાહકોને બિલમાં રાહત આપવામાં આવે છે.
માહે એપ્રિલ૨૦૨૬ દરમિયાન ગ્રાહકોને કુલ ૫૦,૭૩,૧૨૦ યુનિટ વીજ વપરાશ પર રૂ. ૩૦,૪૩,૮૭૨ ની રાહત આપવામાં આવી હતી. જ્યારે મે ૨૦૨૬ દરમિયાન કુલ ૭૦,૪૬,૬૫૧ યુનિટ વીજ વપરાશ માટે ગ્રાહકોને રૂ. ૪૨,૨૭,૯૯૦ની બિલ રાહત આપવામાં આવી હતી.આ રીતે માત્ર બે મહિનામાં જ પીજીવીસીએલના જામનગર વર્તુળના ગ્રાહકોને કુલ રૂ. ૭૨,૭૧,૮૬૨ની બિલ રાહતનો સીધો લાભ મળ્યો હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે.