રેલ્વેમાં ઉત્કૃષ્ટ-પ્રસંશનીય કામગીરી બદલ જામનગરના ડીસીપી સહિત પાંચ કર્મચારીઓનું સન્માન
સંવાદ સમારોહમાં મુસાફરોની સુવિધાઓ અને કાર્યપદ્ધતિ પર વિચાર-વિમર્શ કરાયો
પશ્ચિમ રેલવેના પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર તરુણ જૈન દ્વારા ૦૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા વિશેષ સંવાદ સમારોહ દરમિયાન રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પીસીસીએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તરુણ જૈને સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતા તમામ કર્મચારીઓને સતત ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે વાણિજ્યિક ક્ષેત્રમાં દેશના અગ્રણી રેલવે સંગઠનોમાંનું એક છે અને આ સિદ્ધિ અધિકારીઓ તેમજ કર્મચારીઓના સામૂહિક પ્રયાસો અને સતત ઉત્કૃષ્ટ કામગીરીથી જ શક્ય બની છે.
સમારોહ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના કાર્યના અનુભવો શેર કર્યા હતા તેમજ વાણિજ્ય વિભાગની કાર્યપદ્ધતિને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવવા, મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને વાણિજ્યિક પ્રવૃત્તિઓમાં ગુણાત્મક સુધારો લાવવાના વિવિધ ઉપાયો પર વિગતવાર ચર્ચા કરી હતી.
વાણિજ્ય વિભાગના વિવિધ હોદ્દાઓ પર કાર્યરત કર્મચારીઓએ દૈનિક કામગીરીમાં આવતી પડકારો અને મુસાફરોને લગતી સમસ્યાઓ પણ પ્રિન્સિપલ ચીફ કમર્શિયલ મેનેજર તરુણ જૈન સમક્ષ રજૂ કરી હતી. આ વિષયો પર ચર્ચા કરતી વખતે કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા અને મુસાફરોને બહેતર સેવા તેમજ સુવિધા પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી.
વાણિજ્ય વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના પાંચ કર્મચારીઓને પીસીસીએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં વિશાલ એમ. ભટ્ટ ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર, રાજકોટ, પાલવ જોશી ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર, જામનગર, વિકાસ અધ્યારૂ ડિવિઝનલ કમર્શિયલ ઇન્સ્પેક્ટર, ફરિયાદ સેલ બાલસુબ્રમણ્યમ એ. ચીફ કમર્શિયલ સુપરવાઇઝર, રાજકોટ જય જોશી લગેજ સુપરવાઇઝર, રાજકોટ.
રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના આ કર્મચારીઓની આ સિદ્ધિ ડિવિઝનની કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટ વાણિજ્યિક સેવાઓને દર્શાવે છે. આ સન્માન રાજકોટ ડિવિઝનની વાણિજ્યિક કાર્યક્ષમતા અને મુસાફરોની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે તેમજ વાણિજ્ય વિભાગના કર્મચારીઓના ઉત્કૃષ્ટ યોગદાનને રેખાંકિત કરે છે.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાએ એવોર્ડથી સન્માનિત તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ જ સમર્પણ, કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટતા સાથે કાર્ય કરીને મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે પ્રેરિત કર્યા હતા.