BREAKING NEWS

જામનગર: ખોજાબેરાજા પાસે લુપ્ત થયેલા લુંભાટીયા ગામની સીમમાં ચમત્કારી ધામ: શ્રી રૂદ્ર હનુમાનજી આશ્રમ

  • August 19, 2026 12:50 PM 


જામનગર: ખોજાબેરાજા પાસે લુપ્ત થયેલા લુંભાટીયા ગામની સીમમાં ચમત્કારી ધામ: શ્રી રૂદ્ર હનુમાનજી આશ્રમ

જ્યાં મુસ્લિમ ભક્તે મંદિરના નિર્માણ માટે ૨૫ વીઘા જમીન ગીરવે મૂકી દીધી

એન્જિનિયરમાંથી સંત બનેલા તપસ્વી શાંતિનાથ બાપુની ભૂમિ અને કોમી એકતાનું અનોખું પવિત્ર ધામ: લુંભાટીયા ગામ તો લુપ્ત થયું પણ દાદાનો પરચો આજેય અડીખમ

જામનગરથી માત્ર ૨૮ કિલોમીટરના અંતરે ખોજાબેરાજા ગામની આથમણી સીમમાં દોઢિયા હાઇસ્કૂલ નજીક એક અતિ પ્રાચીન અને ચમત્કારી ધાર્મિક સ્થાન આવેલું છે, જે આજે શ્રી રૂદ્ર હનુમાનજી આશ્રમ તરીકે ઓળખાય છે.

આજથી આશરે ૮૦ વર્ષ પહેલાં અહીં લુંભાટીયા નામનું સમૃદ્ધ ગામ વસેલું હતું. લોકવાયકા મુજબ નજીકનો ડેમ તૂટી જવાની અને આખું ગામ જળમગ્ન થવાની ભીતિને પગલે લોકો આ ગામ છોડીને ચાલ્યા ગયા અને કાળક્રમે આખું ગામ લુપ્ત થઈ ગયું. ગામ ખાલી થયા બાદ અહીં માત્ર હનુમાનજી મહારાજ અને વાછરા દાદાની એક નાની ડેરી શેષ રહી ગઈ હતી. આ દરમિયાન અહીંથી પસાર થતાં ખોજાબેરાજાના એક ખોજા પરિવારને મંદિર પાસેના વિશાળ પથ્થર નીચેથી સોનું મળ્યું હતું, જેથી તે પરિવાર આજે પણ સોનારા તરીકે ઓળખાય છે.

આ ભૂમિ ભારે તપોભૂમિ હોવાથી ભૂતકાળમાં ઘણા સાધુ-સંતો અહીં આવ્યા પણ બે-ચાર દિવસથી વધુ ટકી શક્યા નહીં. આખરે મુંબઈના વિલે પાર્લેમાં જન્મેલા અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી સંસાર ત્યાગનાર એક યુવાન ભ્રમણ કરતાં કરતાં આ સ્થળે પહોંચ્યા. હનુમાનજીના ચરણોમાં જીવન સમર્પિત કરી તેમણે તપ આદર્યું અને તેઓ શાંતિનાથ બાપુ તરીકે ખ્યાતિ પામ્યા. બાપુ સાથે ખોજાબેરાજાના મહેબૂબભાઈ ખોજા ખભેખભો મિલાવીને જોડાયા. વર્ષ ૨૦૦૫ની આસપાસ જ્યારે મંદિરના નવનિર્માણનું કામ શરૂ થયું ત્યારે સામગ્રી આપવાનું વચન આપનાર દાતા ફરી ગયા હતા. એ કપરા સમયે મહેબૂબભાઈ ખોજાએ પોતાની ૨૫ વીઘા જમીન ગીરો મૂકીને મંદિરનું કામ અટકવા દીધું ન હતું. એક મુસ્લિમ ભક્ત દ્વારા હનુમાનજીના મંદિર માટે આટલું મોટું બલિદાન અને આજે પણ અખંડ પૂજા-અર્ચના એ કોમી એકતા તથા અતૂટ શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છે.

શાંતિનાથ બાપુએ આયુર્વેદના જ્ઞાન દ્વારા લોકોના દર્દ દૂર કર્યા અને માત્ર ભભૂતિ થકી અસાધ્ય રોગો તથા તાંત્રિક પીડાઓનું નિવારણ કર્યું. ત્રણ વીઘામાં ફેલાયેલા વડલા, આંબો, બીલી અને લીમડા જેવાં ઘટાટોપ વૃક્ષો વચ્ચે શાંતિનાથ બાપુએ ૩૦ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. તા. ૯-૧૨-૨૦૧૯ (માગશર સુદ બારસ)ના રોજ બાપુ બ્રહ્મલીન થયા. ત્યારબાદ બરસાનાના જુગલનાથ બાપુ અને હાલ માંગરોળ-જૂનાગઢ એસટી ડેપોના પૂર્વ મેનેજર રઘુરામ બાપુ હરિયાણી આ ગાદી સંભાળી રહ્યા છે.

આ આશ્રમમાં ક્યારેય દાન-દક્ષિણા કે ફાળો ઉઘરાવવામાં આવતો નથી. છેલ્લા ૮ વર્ષથી બાલંભડીના કિરીટસિંહ જેઠવા અને મહેન્દ્રસિંહ વાઢેર કોઈપણ સ્વાર્થ વિના આર્થિક સહયોગ અને સેવા આપી રહ્યા છે. મહેન્દ્રસિંહને ડોક્ટરોએ બંને કિડની ફેલ ગણાવી ઓપરેશનનું કહ્યું હતું, પરંતુ બાપુની ભભૂતિ અને દાદાની કૃપાથી તેઓ ઓપરેશન વિના સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેવી જ રીતે ઓસ્ટ્રેલિયા સ્થિત જામનગરના એક નિ:સંતાન દંપતીને બાપુના કહેવાથી કરેલા હવન-પૂજન બાદ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ હતી. દર મહિનાની સુદ છઠ્ઠે અહીં રાત્રે ૯ થી ૧૨ સંજયભાઈ હરિયાણી, પરબતભાઈ પટેલ અને કેશવગીરી ગોસ્વામી જેવા કલાકારો દ્વારા નિ:શુલ્ક ભજન ડાયરો યોજાય છે, જેમાં થતી આવક માત્ર સેવાકાર્યોમાં વપરાય છે. અપ્રસિદ્ધ છતાં અપરંપાર પરચાઓ ધરાવતું આ સ્થાન આજે પણ હજારો ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application