ખંભાળીયા: જામખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિ ચેરમેનનો સપાટો
૨૨ જેટલા ગુટલીબાજ સફાઈ કામદારોની ગેરહાજરી પૂરાઈ
ખંભાળિયા નગરપાલિકાના સેનીટેશન સમિતિના ચેરમેન પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા દ્વારા સોમવારે સવારે વોર્ડ વાઇઝ સફાઈ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તેમના દ્વારા વોર્ડ સુપરવાઇઝરો પાસેથી સફાઈ કામદારોની હાજરીના ડેઇલી રિપોર્ટ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૨૨ જેટલા ગુટલીબાજ સફાઈ કામદારો ગેરહાજર જણાતા તેમના દ્વારા આવા સફાઈ કામદારોની જાતે જ ગેરહાજરી પૂરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં. ૮ તથા વોર્ડ નં. ૯ ના વોર્ડ મુકાદમો પોતાની ફરજમાં ગેરહાજર માલુમ પડતા ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ મુકાદમોને નોટીસ આપી ખુલાસો માંગવા ચીફ ઓફિસરને ટેલિફોનીક જાણ કરવામાં આવી હતી.
ખંભાળિયા નગરપાલિકામાં લાંબા સમય બાદ પ્રથમ વખત આ પ્રકારે સેનીટેશન સમિતિના ચેરમેનના ઓચિંતા સરપ્રાઈઝ ચેકીંગથી ગુટલીબાજ સફાઈ કામદારો માં ફફડાટ ફેલાયો છે.