જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડનું સફળ કમિશનિંગ, 122 કિમી/કલાકની ઝડપે થયું પરીક્ષણ
રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી 111 કિલોમીટરમાંથી 96 કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય પૂર્ણ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ–કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા જામવંથલી–અલિયાબાડા રેલ સેક્શનના 11.804 કિલોમીટર લાંબા ડબલિંગ કાર્યને 04 નવેમ્બર, 2026ના રોજ સફળતાપૂર્વક કમિશન કરવામાં આવ્યું. આ સિદ્ધિ સાથે જ કુલ 111 કિલોમીટર લાંબા રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 96 કિલોમીટર રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 122 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે સફળતાપૂર્વક સ્પીડ ટ્રાયલ (ઝડપ પરીક્ષણ) કરવામાં આવ્યું. આ પ્રસંગે રેલવે સુરક્ષા કમિશનર (Commissioner of Railway Safety), પશ્ચિમ સર્કલ, મુંબઈ, ઈ. શ્રીનિવાસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ), અમદાવાદ, પ્રદીપ ગુપ્તા તથા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડબલિંગ કાર્ય અંતર્ગત કરવામાં આવેલા મુખ્ય બાંધકામ કાર્યો:
જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડમાં આધુનિક રેલ માળખાગત સુવિધાઓના વિકાસ અંતર્ગત વિવિધ મહત્વપૂર્ણ બાંધકામ કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કાર્યો સામેલ છે:
1. 11.804 કિલોમીટર નવી રેલલાઇન પાથરવા અને જોડવાનું કાર્ય.
2. 24 નવા ટર્નઆઉટ સ્થાપિત કરવામાં આવ્યા તથા 10 જૂના ટર્નઆઉટ દૂર કરવામાં આવ્યા.
3. 108 મીટર જળમાર્ગ ક્ષમતાવાળા 01 મોટા પુલનું નિર્માણ.
4. કુલ 16 નાના પુલોનું નિર્માણ.
5. 1.2 લાખ ઘનમીટર માટીકામ.
6. રેલવે ટ્રેકની નીચે 0.40 લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ લેયર પાથરવાનું કાર્ય.
7. રેલવે ટ્રેક પર 0.36 લાખ ઘનમીટર કપચી (બેલાસ્ટ) પાથરવાનું કાર્ય.
8. 02 નવી લૂપ લાઇનો તથા લાંબી માલગાડીઓના સંચાલન માટે 01 વિશેષ લાઇનનું નિર્માણ.
9. કુલ 06 રેલવે ફાટકોનું વિસ્તરણ.
10. 03 નવા હાઇ-લેવલ પ્લેટફોર્મનું નિર્માણ.
11. 02 નવા ફૂટ ઓવરબ્રિજ (પગપાળા પુલ)નું નિર્માણ.
12. નવનિર્મિત રેલલાઇનનું ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) સિસ્ટમ સાથે સફળ કમિશનિંગ.
13. અલિયાબાડા સ્ટેશન પર એક નવા સ્ટેશન ભવનનું નિર્માણ.
નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 100 કિમી/કલાકની ઝડપ માટે સત્તાવાર મંજૂરી:
જામવંથલી–અલિયાબાડા ડબલિંગ રેલખંડની નવનિર્મિત ડાઉન મેઇન લાઇન પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનોના સંચાલન માટે સત્તાવાર મંજૂરી મળી ગઈ છે. આ સિદ્ધિથી રેલખંડ પર ટ્રેનોનું સંચાલન વધુ સરળ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ મળશે તથા રાજકોટ–કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટની પરિચાલન ક્ષમતામાં વધારો થશે.
જામવંથલી–અલિયાબાડા રેલખંડના ડબલિંગથી રાજકોટ–કાનાલુસ રેલમાર્ગની લાઇન ક્ષમતા વધશે. આનાથી ટ્રેનોના સુગમ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે તેમજ ભવિષ્યમાં ટ્રાફિકની વધતી માંગને પહોંચી વળવાની સાથે-સાથે પરિચાલન કાર્યક્ષમતા અને રેલ સેવાઓની વિશ્વસનીયતામાં સુધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application