જામનગરમાં ખાંડના ભાવમાં તેજીનો ફુગ્ગો ફૂટયો, કીલોએ રૂ.૧૨ ઘટ્યા.!
મોંઘવારીમાં ડામ: સાતમ-આઠમના તહેવારો ટાંકણે ખાંડના ભાવ વધતા દેકારો બોલી ગયો તો, ભાવ ઘટાડાનો લાભ શહેરીજનોને મળવા સામે પ્રશ્ર્નાર્થ
રૂ.૭૦ની કીલો ખાંડના ભાવ ઘટીને ૫૬ થી ૫૮ થતાંં રાતોરાત મોંઘી થયેલી મીઠાઇ અને ચાની ચુસ્કી સસ્તી થશે તે સો મણનો સવાલ
જામનગરમાં સાતમ-આઠમના તહેવારો ટાંકણે ખાંડના ભાવમાં ભડકો થતાં કીલોના રૂ.૭૦ થતાં ગૃહણીઓ અને વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો. પરંતુ ખાંડના ભાવમાં તેજીનો ફુગ્ગો ફુટી ગયો છે. કારણ કે, કીલોએ રૂ.૧૨નો ઘટાડો થતાં ખાંડના ભાવ ઘટીને રૂ.૫૬ થી ૫૮ થયા છે. પરંતુ ખાંડના ભાવમાં ઘટાડનો લાભ શહેરીજનોને મળશે કે કેમ તેની સામે પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. કારણ કે, ખાંડના ભાવમાં તેજીથી રાતોરાત મોંઘી થયેલી મીઠાઇ અને ચાની ચુસ્કી ખાંડનો ભાવ ઘટતા સસ્તી થશે કે કેમ તે સો મણનો સવાલ ઉઠયો છે.
વર્તમાન સમયમાં દીન-પ્રતીદીન વધતી જતી મોંઘવારી અને જીવનજરૂરીયાતની ચીજ-વસ્તુઓમાં થતાં ભાવ વધારાથી મઘ્યમ અને ગરીબ વર્ગને બે છેડા ભેગા કરવામ મુશ્કેલ બન્યા છે તો ગૃહણીઓના બજેટ ખોરવી નાખ્યા છે. આ કપરી સ્થિતિમાં રાંધણગેસ, તેલ, અનાજ, કઠોળ સહીતની જીવનજરૂરી ચીજવસ્તુમાં ભાવ વધારા વચ્ચે ચારેક દીવસ પૂર્વે ખાંડના ભાવમાં ભડકો થયો હતો. શ્રાવણ મહીનો ચાલી રહ્યો હોય અને સાતમ-આઠમના તહેવારોને હવે ગણતરીના દીવસો બાકી હોય ખાંડના ભાવ સળગતા જામનગરના વેપારીઓ અને ગૃહણીઓમાં કાગારોળ મચી ગઇ હતી. શહેરના ખાંડના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યાનુસાર દોઢેક મહીના પૂર્વે એક કીલો ખાંડના ભાવ રૂ.૪૫ થી ૪૮ હતાં. પરંતુ મહારાષ્ટ્ર સહીત અન્ય રાજયમાં શેરડીના ઓછા ઉત્પાદન વચ્ચે ઇથેનોલ બનાવવામાં ૩૦ ટકા ખાંડના ઉપયોગના નિર્ણયથી ખાંડના ભાવ રીતસર સળગ્યા હતાં. આટલું જ નહીં ભાવ વધારા વચ્ચે સટ્ટા અને સંગ્રહાખોરીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
આથી એક કીલો ખાંડના ભાવ હાલમાં વધીને રૂ.૬૫ થી ૭૦ પર પહોંચી ગયા હતાં. આટલું જ નહીં આ સ્થિતિ રહી તો આગામી દીવસોમાં એક કીલો ખાંડના ભાવ વધીને રૂ.૭૫ સુધી થવાની શકયતા પણ વેપારીઓએ દર્શાવી હતી.ખાંડના ભાવ વધતા મીઠાઇ અને ચાની ચુસ્કી રાતોરાત મોંઘી થઇ છે. કારણ કે, ખાંડના ભાવ વધતા રોજીંદા વેંચાણમાં ૩૦ થી ૪૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
પરંતુ ખાંડના ભાવમાં દોઢ મહીનામાં આગ ઝરતી તેજીથી એક કીલોના ભાવ રૂ.૭૦ સુધી પહોંચી ગયા હતાં. આથી જામનગરની સાથે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આથી સરકાર સફાળી જાગી હતી અને ખાંડના સ્ટોક પર મર્યાદાની સાથે ઉતરપ્રદેશ કે જે ખાંડનું હબ ગણાય છે ત્યાં ખાંડની મીલોમાં દરોડા પાડયા હતાં. આથી ખાંડની સંગ્રહાખોરી અને સટ્ટાખોરી અટકી છે. બીજી બાજુ ઇથેનોલમાં શેરડીનો ઉપયોગ ન કરવો તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
આ કારણોથી ખાંડમાં તેજીનો પરપોટો ફુટી જતાં ખાંડના ભાવમાં કીલોએ રૂ.૧૦નો ઘટાડો થતાં રૂ.૫૬ થી ૫૮ પર પહોંચતા વેપારીઓની સાથે લોકોઉે પણ આંશિક રાહતનો શ્ર્વાસ લીધો છે. પરંતુ ખાંડમાં થયેલા ભાવમાં ઘટાડાનો લાભ લોકોને મળશે કે કેમ તે એક ગંભીર પ્રશ્ર્નાર્થ છે. કારણ કે, ખાંડના ભાવ વધતા મીઠાઇ અને બહાર મળતી ચાની ચુસ્કી રાતોરાત મોંઘી થઇ હતી. ત્યારે ખાંડના ભાવ ઘટતા મીઠાઇ અને ચાની ચુસ્કી સસ્તી થશે કે કેમ તે એક સવાલ છે. બીજી બાજુ અન્ય શહેરોની જેમ જામનગરના મીઠાઇના વેપારીઓ સાતમ-આઠમન તહેવારોને અનુલક્ષીને મીઠાઇનું ભાવ બંધણું કરશે કે કેમ તે જોવાનું રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application