BREAKING NEWS

જામ ખંભાળીયામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી વેચતી મહિલાની અટક

  • July 17, 2026 11:47 AM 

જામ ખંભાળીયામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી વેચતી મહિલાની અટક

એસઓજી  દ્વારકાની મોટી કાર્યવાહી: ૧૫ કિલો જથ્થો અને અન્ય સાધનો કબજે

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા અખાદ્ય સામગ્રીઓનું ગેરકાયદેસર ઉત્પાદન કરી માનવ જીવન સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર  વી.એ. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર  વી.એન. શિંગરખીયા અને ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ જામ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.

આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ જાડેજાને ખાનગી બાતમીદાર તરફથી એક મહત્વની હકીકત મળી હતી. બાતમી મળી હતી કે ઓખા મંડળ તાલુકાના દ્વારકા, વસઇ-લાલપર ગામની સીમમાં રહેતા અને છૂટક ઘી વેચવાનો ધંધો કરતા ૭૦ વર્ષીય વૃદ્ધા અમરીબેન પુનાભાઇ ઘોડા  દેશી ઘીમાં કેમિકલ અને અન્ય સામગ્રીઓની મિલાવટ કરી નકલી ઘી બનાવે છે. તેઓ દ્વારકાથી ખંભાળીયા આવીને ગાયત્રીનગર વિસ્તારમાં આ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમકારક એવા બનાવટી ઘીનું વેચાણ કરે છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જામ ખંભાળીયાના ગાયત્રીનગર પોલીસ લાઇન પાસે તપાસ હાથ ધરતા આરોપી મહિલા અમરીબેન ઘોડા બનાવટી ઘીના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ ઇન્સ્પેક્ટર રોહિતભાઇ કોટડીયાને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ ઇન્સ્પેક્ટરે પ્રાથમિક સ્થળ પરીક્ષણ કરી ભેળસેળયુક્ત ઘીના સેમ્પલો લીધા હતા.
​​​​​​​
આ કાર્યવાહી દરમિયાન આશરે ૧૫ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂપિયા ૩૩૦૦/- થાય છે, તે જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય ડુપ્લીકેટ ઘી બનાવવામાં સુગંધ માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ એટલે કે લખેલી ઘીમાં નાખવાની એસેન્સની નાની-મોટી બોટલો અને શીશીઓ પણ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવી છે. માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી આ મહિલા વિરૂદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application