BREAKING NEWS

જામનગર જીલ્લામાં દોઢ મહિનો વરસાદ ખેંચાતા તંત્રની નિષ્ફળતા ખુલી પડી-હેમંત ખવા

  • August 22, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીલ્લામાં દોઢ મહિનો વરસાદ ખેંચાતા તંત્રની નિષ્ફળતા ખુલી પડી-હેમંત ખવા

જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પ્રજાલક્ષી પડતર પ્રશ્ર્નોની ઢીલી કામગીરી અંગે સરકાર સમક્ષ રજૂઆત

જામનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા એ ઉપસ્થિત રહીને ગ્રામ્ય વિસ્તારના પ્રજાલક્ષી પડતર પ્રશ્નો, ખેડૂતોની વેદનાઓ, સિંચાઈ માટે વીજળી, રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ અને વિવિધ યોજનાઓની ઢીલી કામગીરી અંગે સરકારી અધિકારીઓ સામે અત્યંત આક્રમક રજૂઆતો કરી હતી.

જામનગર જીલ્લામાં ઓછા વરસાદના કારણે પાણીની અછત ઉભી થઇ છે. ખેડૂતોને સિંચાઈ માટે તો દુર ની વાત રહી પણ ગામડાઓમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ ઉભી થવા પામી છે. આવા કપરા સમયે હેમંત ખવાએ આ બેઠકમાં ખેડૂતોના પક્ષે ધારદાર રજુઆતો કરી હતી. હેમંત ખવાએ સૌની યોજનાના અધિકારીઓને જણાવ્યું હતું કે સૌની યોજનાનું પાણી છોડવા માટે એક સમયપત્રક બનાવવામાં આવે તેમજ હવે પાણી છોડવામાં આવે ત્યારે પહેલા એવા ડેમ કે તળાવ ભરવામાં આવે જ્યાં એકેય વખત પાણી આવ્યું જ નથી. જે-જે ડેમ કે તળાવમાં એક વખત પાણી છોડી ભરવામાં આવ્યા હતા ત્યાં પછી પાણી આપવામાં આવે જેથી બધા ખેડૂતોને સિંચાઈનો ફાયદો મળી શકે. સિંચાઈ ઉપરાંત જે-જે ગામડાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાઈ છે ત્યાં પાણીના અન્ય સોર્સ તપાસી આગામી એક વર્ષ માટે જામનગર જીલ્લાનો એક્શન પ્લાન બનાવી અત્યાર થી જ આયોજન કરવામાં આવે તેવી રજુઆત હેમંત ખવાએ કરી હતી.

સરકારે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી દીધી પણ તેની અમલવારી હજુ સુધી કરવામાં આવી નથી આ બાબતે હેમંત ખવા દ્વારા ખેડૂતોના પક્ષે આક્રમક રજુઆતો કરતા તાત્કાલિક અસરથી દસ કલાક વીજળી આપવામાં આવે તેવીમાંગણી કરવામાં આવી હતી. પીજીવીસીએલનાં અધિકારી દ્વારા આ બાબતે ખેડૂતોને દસ કલાક વીજળી વહેલી તકે મળી રહે તે માટે સત્વરે કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવી હતી.

ચોમાસું ખેંચાતા ખેડૂતોની સાથે સાથે પશુપાલકો માટે પણ કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વનવિભાગ દ્રારા કરવામાં આવતા ઘાંસ વિતરણ બાબતે પ્રશ્ન રજુ કરી હેમંત ખવાએ જણાવ્યું હતું કે પશુપાલકોને જે ઘાંસની ગાંસડી વિતરણ કરવામાં આવે છે તેમાં વજનની ઘાંટી આવે છે આથી અમુક ગાંસડીઓનું રેન્ડમલી વજન કરવામાં આવે જેથી પશુપાલકોને પુરતું ઘાસ મળી રહે તેમજ ઘાંસ લેવા માટે હાલમાં પશુપાલકોને દુર સુધી જવું પડે છે. જે બાબતે પશુપાલકોને નજીકના ડેપોએ ઘાંસ મળી રહે તેવી વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ ઘાંસ વિતરણ ચાલુ કરાવવા માટે સૌપ્રથમ હેમંત ખવા દ્વારા જ લાલપુર ખાતે મહારેલી અને એક દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. અમુક ગામડાઓમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા નદીના વહેણને અવરોધ થાય તે રીતે નદીની વચોવચ પોલ ઉભા કરી દાદાગીરીથી કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

આ બાબતે હેમંત ખવાએ આક્રમક રજુઆત કરતા અધિકારીઓને આ કામ તાત્કાલિક બંધ કરાવવા તેમજ નદીની વચ્ચે જે પોલ ઉભા કરવામાં આવ્યા છે તે તાત્કાલિક અસરથી દુર કરવા માટે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.

કલેકટર દ્રારા પણ આ બાબતે પ્રાંત અધિકારી લાલપુર તથા સિંચાઈ વિભાગના અધિકારીઓને સંયુક્ત તપાસ કરી પોલ દુર કરવા કડક સુચના આપવામાં આવી હતી. આમ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા અનેક પ્રજાલક્ષી પ્રશ્નો રજુ કરી તેના નિરાકરણ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application