જામનગર: લાલપુરના રીંજપર-નાંદુરી નજીક નદીમાં ગેરકાયદે વીજ પોલ ઉભી કરનાર કંપની સામે તંત્ર લાલઘૂમ
એનટીપીસી કંપનીને શિયારીયો નદી-ડેમમાં ખડકાયેલ ગેરકાયદે કામગીરી તાત્કાલિક બંધ કરવા નોટિસ
લાલપુર તાલુકાના રીંજપર અને નાંદુરી ગામ નજીક આવેલ શિયારીયો અને રૂાવાટી નદી તેમજ સરકારી ચેકડેમમાં સીંચાઈ વિભાગની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર ખાનગી/રીન્યુએબલ ઊર્જા કંપની (NTPC Renewable Energy Ltd) દ્વારા ગેરકાયદેસર રીતે આશરે ૧૮ જેટલા ૩૩ કે.વી.ના વીજ પોલ (વીજળીના થાંભલા) ઉભા કરી દેવામાં આવતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ અંગે નાંદુરી ગામના અરજદાર જયેશકુમાર રામાભાઈ નંદાણીયા દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી, પંચાયત સિંચાઈ પેટા વિભાગ, જામજોધપુર ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા મુજબ, શિયારીયો નદી અને ચેકડેમનું પાણી ચોમાસા બાદ આશરે ૮ માસ સુધી સંગ્રહિત રહે છે, જેનો ઉપયોગ આજુબાજુના ખેડૂતો ખેતી માટે તેમજ નાંદુરી અને રીંજપર ગામના લોકો તથા પશુઓ પીવા માટે કરે છે. નદી અને ચેકડેમમાં વીજ પોલ ઉભા કરવાથી શોર્ટ સરકિટ થવાનો અને પાણીમાં વીજ પ્રવાહ દોડી જવાનો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ છે, જેનાથી ખેડૂતો, ગ્રામજનો અને પશુઓના જીવનું જોખમ ઊભું થયું છે.
ખેડૂતની આ રજૂઆતને પગલે પંચાયત સિંચાઈ પેટા વિભાગ - જામજોધપુરના નાયબ કાર્યપાલક ઈજનેરે તાત્કાલિક કડક વલણ અપનાવ્યું છે. તંત્ર દ્વારા NTPC Renewable Energy Ltd. ને નોટિસ ફટકારીને જણાવવામાં આવ્યું છે કે સિંચાઈ વિભાગની પૂર્વ મંજૂરી વિના નદીના વહેણ તથા ડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વીજ પોલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જે ઈરિગેશન એક્ટ (સિંચાઈ કાયદા) હેઠળ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
ચોમાસા દરમિયાન આ વીજ પોલના કારણે નદીના પાણીનો પ્રવાહ રોકાઈને બેકવોટરથી આસપાસની ખેતીની જમીનમાં પાણી ભરાઈ જવાથી પાક ધોવાઈ જવાની અને વીજ અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. આથી સિંચાઈ વિભાગે કંપનીને તમામ કામગીરી તાત્કાલિક અટકાવીને ૭ દિવસની અંદર નદી અને રિઝર્વિયર (ડેમ) વિસ્તારમાંથી વીજ પોલ દૂર કરી મૂળ સ્થિતિ પુન:સ્થાપિત કરવા કડક સૂચના આપી છે. નોટિસનો અમલ કરવામાં નહીં આવે તો ઈરિગેશન એક્ટ હેઠળ સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ભાવિ નુકસાની કે હોનારત માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત કંપનીની રહેશે. તેમ નોટીસમાં જણાવ્યું છે.