હાલારમાં ઉંચા વળતરની લાલચ આપી ખાનગી પેઢીના કરોડોના ફૂલેકા પ્રકરણમાં કસૂવારો સામે પગલાં લેવામાં તંત્રને કોની શરમ નડે છે તે તપાસનો વિષય બન્યો છે. કારણ કે, છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારોએ થોકબંધ ફરિયાદ અરજીઓ કરવા છતાં હજુ સુધી પેઢીના માલીકો, સંચાલકો અને એજન્ટો સામે ગુનો ન નોંધાતા રહસ્ય વધુ ઘેરૂ બન્યું છે. નવાઇની વાત તો એ છે કે, અન્ય શહેરોમાં આ પેઢીના માલીકો, એજન્ટો અને સંચાલકો સામે વિધિવત ગુનો નોંધાયો છે તો જામનગરમાં કે મ નહીં તે સવાલ તપાસનો વિષય બન્યો છે. ત્યારે નાણાં પરત મળશે કે કેમ તે સવાલ રોકાણકારોમાં જોરશોરથી ઉઠ્યો છે.
અમદાવાદની ખાનગી પેઢી દ્રારા છેલ્લાં ઘણાં સમયથી રાજયભરમાં શાખાઓ ખોલવામાં આવી હતી. જેમાં જામનગરમાં આ પેઢીની સૌ પ્રથમ શાખા ગુરૂદ્રારા પાસે અને ત્યારબાદ પંચેશ્વર ટાવર પાસે નવી બનેલી ઇમારતમાં સ્થળાતંર કરાયું હતું. આટલું જ નહીં દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પણ એજન્ટો અને શાખાઓ શરૂ કરાઇ હતી. ખાનગી પેઢી દ્રારા રોકાણ પર ૧૦ ટકા જેટલા ઉંચા વળતરની ખાતરી આપવામાં આવી હતી. આથી રોકાણકારાએ પેઢી પર આંધળો વિશ્વાસ કરી નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતાન ખાનગી પેઢીએ અમુક રોકાણકારોને ખાતરી મુજબનું વળતર આપ્યું હતું. આથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં મળી કુલ ૫૦૦૦થી વધુ રોકાણકારોએ ખાનગી પેઢીમાં રોકાણ કર્યું હતું.
પરંતુ ત્યારબાદ ધીમે ધીમે પેઢી દ્રારા રોકાણકારોને નાણાં અને વળતર ચૂકવવામાં ધાંધિયા શરૂ કરાયા હતાં. આ મુદે રોકાણકારોમાં ફરિયાદો પણ ઉઠી હતી. ત્યારબાદ અમદાવાદની ખાનગી પેઢીના સંચાલકોએ નાણાં અને વળતર ચૂકવવામાં હાથ ઉંચા કરી દીધા હતાં. આથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, જામનગરમાં છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારોએ સ્થાનિક સંબધીત વિભાગમાં ૧૬૦૦ જેટલી ફરિયાદ અરજી કરી છે. રોકાણકારોએ ફરિયાદ અરજીમાં જણાવ્યાનુસાર ખાનગી પેઢીએ ફ્રોડ કંપની ઉભી કરી લોકોના નાણાં ૬ વર્ષે ડબલ કરી આપવાની તથા ડીબેન્ચર, ફીકસ ડીપોઝીટ, મન્થલી ઇન્કમ, શેર વગેરે આપી અસંખ્ય રોકાણકારો પાસેથી મોટી રકમ ઉઘરાવી નાણા ઉચાપતનું કૌંભાડ આચર્યું છે.
આટલું જ નહીં પેઢીના માલીકો અને સંચાલકો દ્રારા જામનગર સહીત અન્ય શહેરોમાં એજન્ટો રાખી નાણાં ઉઘરાવી ઓફીસને તાળાં મારી દીધા છે. રોકાણકારોને નાણાં પરતની વાત તો દૂર રહી પરંતુ કોઇપણ પ્રકારના જવાબ આપતા નથી. વળી, અમુક શહેરોમાં રોકાણકારોએ પેઢીના માલીકો, સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરતા રોકાણકારોને નાણાં ચૂકવવામાં આવ્યા છે. પરંતુ જામનગરમાં થોકબંધ ફરિયાદ અરજી કરવા છતાં હજુ સુધી ગુનો નોંધવામાં ન આવતા કોની શરમ નડેે છે તે સવાલ તપાસનો વિષય બન્યો છે. આથી રોકાણકારોને નાણાં પાછા મળશે કે કેમ તે રહસ્ય વઘુ ઘેરૂ બન્યું છે.
જામનગર સહીત રાજયભરમાં રૂ.૩૫૦ કરોડથી વધુનું કૌંભાડ..!
અમદાવાદની ખાનગી પેઢીએ જામનગર સહીત રાજયભરમાં ઓફીસો ખોલી એજન્ટો રાખી જુદી-જુદી યોજનામાં ઉંચા વળતરની લાલચ આપી નાણાં ચૂકવવામાં હાથ ઉંચા કરી લીધા છે. રોકાણકારોએ કરેલી ફરિયાદ અરજીમાં આ ખાનગી પેઢી દ્રારા જામનગર સહીત રાજયભરમાં રૂ.૩૫૦ થી ૪૦૦ કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યાનું જણાવ્યું છે. આથી જામનગરમાં પણ અન્ય શહેરોની જેમ પેઢીના માલીકો, સંચાલકો અને એજન્ટો સામે ગુનો નોંધવા રોકાણકારોમાં માંગ ઉઠી છે.
ફરિયાદ કરશો તો નાણાં ન ચૂકવવાની ધમકી, વચેટિયાઓની ભૂંડી ભૂમિકાની પણ ચર્ચા
જામનગર સહીત રાજયભરમાં અમદાવાદની ખાનગી પેઢીએ ઉંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌંભાડ આચરતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે રોકાણકારો આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું કહેતા ઉલ્ટા ચોર કોટવાળને દંડે તે રીતે પેઢીના માલીકો અને સંચાલકો જો ફરિયાદ કરશો તો તમારા કોઇના નાણાં ચૂકવશું નહીં તેવી ધમકી આપવામાં આવી રહ્યાની રાવ પણ રોકાણકારોએ ફરિયાદ અરજીઓમાં કરી છે. આટલું જ નહીં કૌંભાડ આચરનાર પેઢીના સંચાલકો અને માલીકો સામે જામનગરમાં ફરિયાદ ન થાય તે માટે અમુક વચેટિયા રોકાણકારોને નાણાં પરત મળશે તેવી ખોટી હૈયાધારણા આપી ભૂંડી ભૂમિકા ભજવી રહ્યાની પણ ફરિયાદો ઉઠી છે.