જામનગરમાં વધુ ૨૫ એસી ઇ-બસ શરૂ, શહેરીજનોને ૧૬ રૂટ પર પરિવહન સુવિધા
શહેરમાં કુલ ૫૦ એસી ઇ-બસ દોડતી થઇ, સાંસદના હસ્તે લીલીઝંડી
શહેરના મુખ્ય વિસ્તારોની સાથે રેલવે સ્ટેશન, શૈક્ષણીક સંસ્થાઓ, ઔધોગીક, રહેણાંક એરિયા તથા આજુબાજુના ગામના લોકોને બસ સેવા મળશે
જામનગરમાં વધુ ૨૫ એસી ઇ-બસ શરૂ થતાં શહેરમાં કુલ ૫૦ એસી બસ દોડતી થતા શહેરીજનોને ૧૬ રૂટ પર પરિવહનની સુવિધા મળશે. સાંસદ, મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ૨૫ ઇ-બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. શહેરના મુખ્ય વિસ્તારોની સાથે રેલવે સ્ટેશન, શૈક્ષણીક સંસ્થાઓ, ઔધોગીક, રહેણાંક એરિયા તથા આજુબાજુના ગામના લોકોને બસ સેવા મળશે.
જામનગરમાં શહેરીજનોને આધુનીક,સુવિધાયુકત, સલામત તથા પર્યાવરણને અનૂકૂળ જાહેર પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી ભારત સરકારની પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત વધુ ૨૫ ઇલેકટ્રીક બસોનું સંચાલન સાંસદ સભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઇ ડેર, ચેરમેન ધીરેનકુમાર મોનાણી, દંડક પ્રવીણાબેન રૂપડીયા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, નગરસેવકો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. અગાઉ ૨૫ એસી ઇ-બસ સાથે નવી ૨૫ મળી કુલ શહેરમાં ૫૦ ઇ-બસ દોડતી થઇ છે. આથી શહેરના વિવિધ વિસ્તારોને જાહેર પરિવહનના નેટવર્ક સાથે જોડવા માટે કુલ ૧૬ રૂટ નિર્ધારીત કરવામાં આવ્યા છે. આ રૂટ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોની સાથે રેલવે સ્ટેશન, શૈક્ષણીક સંસ્થાઓ, ઔધોગીક, રહેણાંક એરિયા તથા આજુબાજુના ગામના લોકોને બસ સેવા મળશે.
ઇલેકટ્રીક બસના સંચાલનથી શહેરમાં પર્યાવરણને અનુકૂળ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન મળશે. ઇ-બસ દ્રારા પર્યાવરણ ઇંધણ આધારિત સરખામણીએ કાર્બન ઉત્સર્જન તથા વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ મળશે. સાથે સાથે ઇલેકટ્રીક બસના ઓછા અવાજને કારણે શહેરી વાતાવરણમાં ઘ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન મળશે.શહેરમાં ઇ-બસ સેવાનો વ્યાપ વધતા વિધાર્થીઓ, નોકરીયાત, વેપારીઓ, મહીલાઓ, વડીલો તથા અન્ય નાગરિકોને દૈનીક આવાગમનમાં સરળતા રહેશે. આથી આ બસ સેવાનો વધુને વધુ લાભ લેવા મહાનગરપાલીકાએ અનુરોધ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોને શૈક્ષણીક સંસ્થાઓ, રેલવે સ્ટેશનો, ઔધોગીક વિસ્તારો તથા શહેરના મહત્વના સ્થળો સાથે જોડતા ઇ-બસ સેવાના રૂટના કારણે નાગરિકોને આવાગમન વધુ સરળ બનશે. વધુમાં જાહેર પરિવહન સેવાના વિસ્તરણથી નાગરિકોને ખાનગી વાહનોના વિકલ્પરૂપે જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહન મળશે. ખાસ કરીને જાહેર પરિવહન સેવાના વધુ વ્યાપક ઉપયોગથી ખાનગી વાહનોની સંખ્યા અને તેના ઉપયોગ પર નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. પરિણામે ટ્રાફીકનું ભારણ ધટાડવાની સાથે ઇંધણની બચત તથા શહેરી માર્ગ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં ઇ-બસ સેવા મહત્વપૂર્ણ બની રહેશે.
શહેરમાં આ રૂટ પર ઇ-બસ સેવા:
--સાત રસ્તા સર્કલથી જીવાપર ગામ
--રામેશ્ર્વરનગરથી મસીતીયા
--સાત રસ્તા સર્કલથી ચંગા ગામ
--પટેલ સમાજથી અલીયા ગામ
--માધાપર ભુંગાથી ટાઉનહોલ
--પોલીટેકનીક કોલેજથી નારણપર
--હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન
--ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન
--સરકર્યુલર રૂટ સાત રસ્તાથી સાત રસ્તા સર્કલ વાયા દરબારગઢ
--દરબારગઢથી દરેડ
--આઇએનએસ વાલસૂરાથી દરબારગઢ
--ખીમલીયા ગામથી દરબારગઢ
--દરબારગઢથી સમરસ હોસ્ટેલ
--સાતરસ્તા સર્કલથી વીજરખી ગામ
--એપલગેટ-૧થી મોટી ભલસાણ
--ટાઉનહોલથી નાઘેડી ગામ