જુગારના એક દરોડાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ : સીસીટીવી ફૂટેજની ચકાસણી
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા કુમકુમ એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા જુગારધામ પર ૧૧૨ નંબરની પીસીઆર વાનના જવાનોએ દરોડો પાડ્યા બાદ સેટલમેન્ટ કરી લીધું હોવાના આક્ષેપો સાથેનું પ્રકરણ સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. દરમ્યાનમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ ગંભીર નોંધ લઈ ફરજમાં બેદરકારી અને શિસ્તભંગ બદલ બે પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
શહેરમાં જુગારધામો સામે કાર્યવાહી દરમિયાન ૧૧૨ના પોલીસકર્મીઓ દ્વારા તોડકાંડ કરાયાના આક્ષેપ સાથેનું પ્રકરણ સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા આ મામલે તપાસ કરી હતી અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જીણવટભરી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસના ભાગરૂપે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરી તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સેટલમેન્ટના આક્ષેપોની સત્યતા ચકાસવા તેમજ સમગ્ર ઘટનાક્રમની કડીઓ મેળવવા પોલીસ દ્વારા વિવિધ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં ફરજ દરમિયાન ગંભીર બેદરકારી, શિસ્તભંગ અને ગેરરીતિ દાખવવા બદલ ૧૧૨ની પીસીઆર વાનમાં ફરજ બજાવતા એએસઆઈ નરેશભાઈ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ મીતરાજસિંહ જાડેજાને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તપાસ પુર્ણ થયા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ હકીકતો બહાર આવે એવી શકયતા સેવવામાં આવી રહી છે.