BREAKING NEWS

જામનગરમાં ૫૭ દી’માં ટાઇફોઇડના ૨૪, ડેન્ગ્યુના ૪ કેસ 

  • July 29, 2026 12:06 PM 

જામનગરમાં ૫૭ દી’માં ટાઇફોઇડના ૨૪, ડેન્ગ્યુના ૪ કેસ 

લાલબતી: શહેરમાં વાયરલ અને વાહકજન્ય રોગચાળો વકરતા કમળાના ૩, મેલેરિયાના ૬, તાવના અધધ... ૧૬૧૭ કેસ નોંધાતા સાવચેતી જરૂરી

પાણીજન્ય રોગના કેસથી મનપાના પાણી વિતરણ સામે સવાલ: ઘેર-ઘેર તાવ, શરદી, ઉધરસના કેસથી દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો 

જામનગરમાં વાયરલ અને વાહકજન્ય તથા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કારણ કે, છેલ્લાં ૫૭ દીવસમાં શહેરમાં ટાઇફોઇડના ૨૪, ડેન્ગ્યુના ૪ કેસ નોંધાયા છે. આટલું જ નહીં કમળાના ૩, મેલેરિયાના ૬ અને તાવના અધધ..૧૬૧૭ કેસ મનપાના ચોપડે નોંધાતા શહેરીજનોએ ખોરાક અને પાણીમાં રાખવી સાવચેતી જ‚રી બની છે. શહેરમાં હજુ મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી ત્યાં પાણીજન્ય રોગના કેસથી મનપાના પાણી વિતરણ સામે સવાલ ઉઠ્યા છે. ઘેર-ઘેર તાવ,શરદી,ઉધરસના કેસથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓનથી ઉભરાઇ રહી છે. 

જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસા ટાંકણે રોગચાળો વકર્યો છે. શહેરમાં હજુ સચરાચર મેઘમહેર થઇ નથી. પરંતુ સતત વાદળછાયું વાતાવરણ રહેતા તથા વરસાદી ઝાપટા બાદ ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયેલા રહેતા મચ્છરોનો ઉપદ્વવ વઘ્યો છે. આ કારણોસર શહેરમાં વાહકજન્ય અને વાયરલ રોગચાળો વકર્યો છે. છેલ્લાં ૫૭ દીવસમાં શહેરમાં તાવના અધધ..૧૬૧૭ કેસ નોંધાયા છે. જેમાં જૂન મહીનામાં ૮૬૩ અને જુલાઇ મહીનામાં તા.૨૭ સુધી નોંધાયેલા ૭૫૪ તાવના કેસનો સમાવેશ થાય છે. આટલું જ નહીં આ સમયગાળામાં ડેન્ગ્યુના ૪ અને મેલેરીયાના ૬ કેસ નોંધાયા છે. ખાસ કરીને સીઝનલ રોગચાળાના કારણે હાલમાં ઘેર-ઘરે તાવ,શરદી અને ઉધરસના કેસથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. બીજી બાજુ હજુ શહેરમાં સાર્વત્રીક વરસાદ થયો નથી. આમ છતાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું છે. 

કારણ કે, બે મહીનામાં શહેરમાં ટાઇફોઇડના ૨૪ અને કમળાના ૩ કેસ નોંધાયા છે. આથી મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવતા પાણી વિતરણ સામે તથા બોરમાંથી વપરાશ માટે ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવતા સામે સવાલ ઉઠ્યા છે. શહેરમાં જુન અને જુલાઇ મહીનામાં સામાન્ય તાવના કુલ ૧૬૧૭ કેસ નોંધાતા શહેરમાં રોજના સરેરાશ ૨૮ કેસ નોંધાઇ રહ્યા છે. વાદળછાયા વાતાવરણ અને ભેજનું વધુ પ્રમાણ તથા બપોરે તાપના કારણે મિશ્ર ઋતુ જેવા વાતાવરણના કારણે વાયરલ અને વાહકજન્ય રોગચાળો વકર્યો હોય ખોરાક અને પાણીમાં શહેરીજનોએ સાવચેતી રાખવી જ‚રી બની છે. મહાનગરપાલીકા દ્વારા વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે ડોર ટુ ડોર સર્વે કરી મચ્છરોના પોરા નાશ કરવા સહીતની આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય વાયરલ અને વાહકજન્ય રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. ઋતુ સંક્રમણના કારણે રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને વાયરલ રોગચાળાની અસર બાળકોને ઝડપથી થઇ રહી છે. આથી સાવચેતી અને તકેદારી રાખવી અનિવાર્ય બની છે.  

સરકારી કચેરીઓ બની મચ્છરોનું ઉત્પતિ સ્થાન:
ચોમાસાની ઋતુના કારણે શહેરમાં છેલ્લાં ઘણા દીવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વાતવરણ મચ્છરોને અનુકૂળ હોય ઉપદ્વવ વઘ્યો છે. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ઘરની અગાસી-ધાબા પર રહેલો ભંગાર, ટાયર-ટયુબ તથા પટાંગણમાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવા મનપા લોકોને સૂફીયાણી સલાહ આપી રહી છે. પરંતુ શહેરની મોટાભાગની સરકારી કચેરીઓના પટાંગણમાં ભંગાર વાહન સહીતની બીનઉપયોગી વસ્તુઓ, અગાસી-ધાબા પર પાણી ભરાતા હોય મચ્છરોનું ઉત્પતિ સ્થાન બની છે. ત્યારે આ કચેરીઓમાં નિયમોની અમલવારી કોણ કરાવશે તે સળગતો સવાલ ઉઠ્યો છે.​​​​​​​

ખુલ્લો-વાસી ખોરાક આરોગવો નહીં, પાણી ઉકાળીને પીવું:
શહેરમાં વાહકજન્ય, વાયરલ અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું છે. જેના કારણે ટાઇફોઇડ,કમળા, ડેન્ગ્યુ, મેલેરિયા અને સામાન્ય તાવના કેસમાં વધારો થયો છે. પાણીજન્ય રોગચાળાથી બચાવ ખુલ્લો અને વાસી ખોરાક આરોગવો નહીં તથા પાણી ઉકાળીને પીવું. મચ્છરજન્ય રોગચાળાથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો, આખી બાંયના કપડાં પહેરવા, ઘરના અગાસી,ધાબા તથા પટાંગણમાં પાણી ભરાયેલું ન રહે તેની તકેદારી રાખવી, પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા તબીબોએ અનુરોધ કર્યો છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application