BREAKING NEWS

જામનગર  : ૪ મહીના પછી સત્ર પૂર્ણ, સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં ગુણોત્સવના ઠેકાણા નથી..!

  • January 05, 2026 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલારની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ૪ મહીના પછી શૈક્ષણીક સત્ર ૫ૂર્ણ થઇ રહ્યું છે, આમ છતાં હજુ સુધી ગુણોત્સવના ઠેકાણા ન હોય આમાં કયાંથી ભણે હાલાર તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. શાળાઓના બ્રાહ્મ મૂલ્યાંકન તો ઠીક પણ સ્વ મૂલ્યાંકન થશે કે કેમ તે સળગતો સવાલ ઉઠયો છે સાથે સાથે શિક્ષણ વિભાગમાં કેવું લોલમલોલ ચાલી રહ્યું છે તેનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, ગત વર્ષે જાન્યુઆરી માસમાં થયેલા સ્વ.મૂલ્યાંકન કામગીરી અને સંબધિત માર્ગદર્શિકાની ચાલુ વર્ષે હજુ સુધી શાળાને જાણ પણ નથી.


જીસીઇઆરટી દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦થી રાજયની સરકરી પ્રાથમિક શાળાઓમાં  અને વર્ષ ૨૦૨૩-૨૪થી સરકારી તથા ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં ગુણોત્સવ ૨.૦(સ્કૂલ એક્રેડીટેશન)ની કામગીરી હાથ ધરવામાં આવે છે. વધુમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦માં શાલેય શિક્ષણની ગુણવતા સુધારણા માટે કેટલીક ભલામણ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન, સીઆરસી કો-ઓર્ડીનેટર દ્રારા મૂલ્યાંકન, રાજયકક્ષાએ ઉપલબ્ધ ડેટા આધારિત મૂલ્યાંકન ક્રોસ વેરીફીકેશન એમ મુખ્ય ચાર ભાગમાં ગુણોત્વસની કામગીરી કરવામાં આવે છે. જયારે સરકારી અને ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક પ્રાથમિક શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન, વર્ગખંડ અવલોકન આધારિત મૂલ્યાંકન, રાજયકક્ષાએ ઉપલબ્ધ થતાં ડેટા આધારિત મૂલ્યાંકન અને ક્રોસ વેરીફીકેશનનો સમાવેશ થાય છે. નવાઇની વાત તો એ છે કે, ગત વર્ષે જાન્યુઆરી મહીનામાં થયેલી સ્વ-મૂલ્યાંકનની કામગીરીની અને તેને લગતી માર્ગદર્શિકાની આ વર્ષે હજી સુધી કોઇ શાળાને જાણ પણ નથી. ત્યારે  બેદરકાર કર્મીઓને છાવરવા હજી સુધી મૂલ્યાંકન શરુ ન કરાયું હોવાની ચર્ચા શિક્ષણ જગતમાં જોરશોરથી થઇ રહી છે. 


રાજ્યની તમામ શાળાઓના ગુણોત્સવના ફેઝ-૫ના મૂલ્યાંકનના પરિણામ પબ્લિક ડોમેઈનમાં મૂકવાની અગાઉ વિડિયો કોન્ફરન્સમાં જાહેરાત કરાઈ હતી પણ તેનો અમલ ન થતાં આ જાહેરાત પોકળ પુરવાર થઇ રહી છે. ગુણોત્સવ ૨.૦ મૂલ્યાંકનમાં વર્ષ ૨૦૨૪-૨૫ થી અમલી બનેલા શાળાઓના સ્વ-મૂલ્યાંકનની કામગીરી ગત વર્ષે ૧૮ જાન્યુઆરીથી શરુ કરી દેવાઈ હતી. ત્યારબાદ ૩૩ ટકા જેટલી શાળાઓમાં સ્કૂલ ઈન્સ્પેકટર્સ મારફત બ્રાહ્મ મૂલ્યાંકન કરાયું હતું. તેમજ ગુણોત્સવ ૨.૦ ફેઝ-૫ અંતર્ગતના મૂલ્યાંકનની માર્ગદર્શિકા અને પરિપત્ર પણ ઓક્ટોબર-૨૦૨૪ માં જ બહાર પાડી દેવાયા હતા.

​​​​​​​પરંતુ આ શૈક્ષણિક વર્ષમાં ગુણોત્સવ ૨.૦ ફેઝ-૬ અંતર્ગતના મૂલ્યાંકનના અને માર્ગદર્શિકાની કોઈ જ જાણ  ન હોય, શાળાઓના કર્મીઓ તેમાં કઈ બાબતોનું મૂલ્યાંકન કરાશે તે બાબતે ખૂબ મૂંઝવણમાં હોય તેને લગતી પૂરતી તૈયારી કરવાનો શાળાઓને સમય મળવા પર પણ પ્રશ્નાર્થ સર્જાયા છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સત્વરે આ બાબતોએ સ્પષ્ટતા કરવી જોઈએ તેવી ચર્ચા શિક્ષણ વિભાગમાં ચોમેર થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application