દેવભૂમિ દ્વારકા: માછીમારી પરના પ્રતિબંધનો ભંગ કરનાર ૬ ટ્રોલર બોટ સાથે ટંડેલોને પકડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોનસૂન સીઝન દરમિયાન દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારી કરવા પર કલેક્ટર દ્વારા પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ દરિયાઈ સુરક્ષા અને જાહેરનામાના અમલને ધ્યાને રાખીને રાજકોટ વિભાગના ડીઆઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીઆઈ વી.એ. રાણા અને તેમની ટીમે કોસ્ટલ સિક્યુરિટી પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.
તારીખ ૦૮/૦૮/૨૦૨૬ના રોજ સલાયા મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. પીઆસાઈ વી.એન. શિંગરખીયા અને પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કેટલીક ટ્રોલર બોટો ગેરકાયદેસર રીતે દરિયામાં માછીમારી કરીને સલાયા બંદર, શફી ઢોરો અને ચુડેશ્વર જેટી ખાતે મચ્છી ઉતારવા પરત ફરી રહી છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર તપાસ કરતા કાયદાનો ભંગ કરીને માછીમારી કરી પરત ફરેલી કુલ ૦૬ ટ્રોલર માછીમારી બોટ મળી આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન ’ફુલકુ’ બોટના ટંડેલ સુલતાન રઝાક ભટ્ટી, ’નૂરે ફાતમા’ બોટના સબ્બીર ઇબ્રાહીમ ગંઢાર, ’અલ-અબ્બાસી’ બોટના હમીદ અબ્બાસ ગજીયા, ’યા રુકનશા’ બોટના મહેમુદ અલી તુરક, ’અલ સફીના’ બોટના મહમદ આરીફ સાલેમામદ સુંભણીયા તથા ’ઝમઝમ’ બોટના ટંડેલ તસ્લીમ ઓસમાણ સંઘાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લા મેજિસ્ટ્રેટના ૨૪/૦૭/૨૦૨૬ના જાહેરનામાના ભંગ બદલ તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ તથા ધ ગુજરાત ફીશરીઝ એક્ટની કલમ-૨૧(૧)ચ મુજબ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી આગળની તપાસ સોંપવામાં આવી છે.