જામનગર : ઉમિયાનગર પાસે યુવાન પર ધોકા-છરી વડે હુમલો : કારમાં નુકશાન
જામનગર : લાલવાડી જુના આવાસ ઉમિયા નગર પાસે એક યુવાન પર ધોકા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમજ ફોરવ્હીલમાં નુકશાન પહોચાડયુ હતું, આ અંગે ૩ સામે ફરીયાદ કરી છે. જયારે ગીરધારી મંદિર પાસે રીક્ષા સાઇડમાં લેવા બાબતે બોલાચાલી કરીને ૩ શખ્સોએ આધેડને કડાથી ઇજા પહોચાડી હતી અને ફરીયાદીના પુત્રને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જામનગરના ઉમિયાનગર રોડ, લાલવાડી વિસ્તાર પ્રયાગ રેસીડેન્સી ખાતે રહેતા યશ હિતેશભાઇ જેઠવા (ઉ.વ.૨૬) નામનો યુવાન તેના ભાઇ તથા મિત્ર કરણ સાથે ફોરવ્હીલ લઇને જુના આવાસ પાસે હાજર હતા ત્યારે ત્રણેય આરોપીઓ એક સંપ થઇ ફરીયાદી તથા તેના મિત્રો સાથે બોલાચાલી, ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી.
આરોપીઓ ધોકાનો ઘા બલેનો ગાડી નં. જીજે૧૦ટીએચ-૮૫૪૨માં મારીને નુકશાન પહોચાડયુ હતું તેમજ ધોકા વડે હુમલો કરી ફરીયાદીને પગના ઘુંટણમાં તેમજ એક આરોપીએ છરી વડે ઇજા પહોચાડી હતી. અન્ય એક શખ્સે ધોકા વડે ફોરવ્હીલ દરવાજા ઉપર મારી અને બધાને જોઇ લીધા છે પછી જોઇ લેશું તેવી ધમકી આપી હતી.
યશભાઇ દ્વારા સીટી-એમાં આ બનાવ અંગે કાલાવડ નાકા બહાર રાજ સોસાયટીમાં રહેતા અબ્દુલ વલીમામદ તાયાણી, લાલવાડી જુના આવાસમાં રહેતા સદામ વલીમામદ તાયણી અને જામનગરના જાવીદ અલારખા ખીરાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.
અન્ય એક બનાવમાં જામગનરના શાક માર્કેટ પાસે માણેકવાડી ખાતે રહેતા નોકરી કરતા પરસોતમ પ્રાગજીભાઇ ચુડાસમા (ઉ.વ.૫૩) ગત તા. ૩૧ના માણેકવાડી પાસે હાજર હતા ત્યારે આરોપી વિવેક બાઇક લઇને ત્યાથી નીકળતા ફરીયાદી સાથે રીક્ષા સાઇડમાં લેવા બાબતે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. દરમ્યાન હાથમાં રહેલ કડાનો એક ઘા ફરીયાદીને ગાલ પર અને બીજો ઘા કાનની પાછળ મારી ઝપાઝપી કરી હતી.
આ વેળાએ ફરીયાદીના પુત્ર છોડાવવા આવ્યો હતો દરમ્યાનમાં આરોપીએ ફરીયાદીના દીકરાને કડાનો એક ઘા માર્યો હતો અને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોચાડી હતી. આ અંગે પરસોતમભાઇએ સીટી-એમાં વિવેક ભાવેશ જેઠવા, ભાવેશ જેઠવા, ચિરાગ જેઠવા રહે. બધા ગીરધારી મંદિર પાસેની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.